સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર, રાજકોટમાં બે વર્ષની બાળકી અને ભાવનગરમાં 13 વર્ષના બાળકનું મોત

0
88

છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઇન ફ્લુનો કહેર સતત વધી રહ્યો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દરરોજ સ્વાઇન ફ્લુગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં બે વર્ષની બાળકી અને ભાવનગરમાં એક 13 વર્ષના બાળકનું મોત સ્વાઇન ફ્લુથી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. માત્ર રાજકોટમાં જ આજે સૌરાષ્ટ્રના 13 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે પૈકી ચાર જેટલા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં ગોંડલની બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ બાળકીને ગઇકાલે સ્વાઇન ફ્લુ હોવાની આશંકાએ દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયું છે. આજે એક મોરબીની 52 વર્ષીય મહિલાને પણ સ્વાઇન ફ્લુ પોઝિટીવ હોવાનું જાણવા મળતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લુથી એક 13 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. તેમજ એક દર્દી ગંભીર હોવાનું સામે આવ્યું છે.