મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર લાગી બ્રેક, જાપાને અટકાવ્યું ફંડિંગ

0
79
news/NAT-HDLN-modis-dream-project-breaks-on-bullet-train-stop-funding-from-japan-gujarati-new
news/NAT-HDLN-modis-dream-project-breaks-on-bullet-train-stop-funding-from-japan-gujarati-new

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટનું ફંડિંગ કરનાર જાપાની કંપની જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જીકા)એ બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગ રોકી લીધું છે. જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે, આ પ્રોજેક્ટ પર આગળ વધતાં પહેલાં ભારતે ખેડૂતોની સમસ્યાને થોડી ગંભીરતાથી લેવાની જરૂર છે.

એક લાખ કરોડ રૂપિયાના રોકાણવાળાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન અધિગ્રહણનો કેસ વિવાદોમાં છે. આ વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક સ્પેશિયલ કમિટી બનાવી છે. બીજી બાજુ જાપાની કંપનીએ ફંડ રોકતા કહ્યું છે કે, મોદી સરકારે પહેલાં આ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. નોંધનીય છે કે, આ પ્રોજેક્ટ 2022 સુધી પૂરો કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે પરંતુ જાપાની કંપની દ્વારા ફંડ રોકવામાં આવ્યું હોવાથી આ લક્ષ્યાંક આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે.

જીકા જાપાન સરકારની એજન્સી છે અને તે જાપાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સામાજિક-આર્થિક નીતિઓને નક્કી કરે છે. જ્યારે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ)ને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવી છે. હાલ ભારત સરકારની આ એજન્સીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂતોની જમીન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ બંને રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂતો તેમની જમીનના બદલામાં અમુક વળતર માગી રહ્યા છે. આ વળતર ઉપરાંત ખેડૂતોએ જમીન આપવાના બદલામાં અમુક શરતો રાખી છે. જેમકે, સરકાર તેના બદલામાં સામાન્ય સુવિધાઓની સાથે સાથે તળાવ, સ્કૂલ, સોલર લાઈટ સહિત ગામ સ્તર પર હોસ્પિટલ અને ડોક્ટરની વ્યવસ્થા પણ આપે.

નોંધનીય છે કે, 508 કિલોમીટરના બુલેટ ટ્રેન પરિયોજનામાં લગભગ 110 કિમીનો રસ્તો મહારાષ્ટ્રના પલઘરથી પસાર થાય છે અને કેન્દ્ર સરકાર માટે અહીંના ખેડૂતો પાસેથી જમીન મેળવવી એક પડકારરુપ છે. તે ઉપરાંત ગુજરાતમાં પણ સરકારે લગભગ 850 હેક્ટર જમીન મેળવા આઠ જિલ્લામાં ફેલાયેલા 5000 ખેડૂત પરિવારોનો સામનો કરવો પડે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક બાજુ સરકારનો ડ્રિમ પ્રોજેક્ટ છે ત્યાં તેનું ફંડિગ કરતી જાપાની એજન્સીએ અત્યાર સુધી માત્ર 125 કરોડ રૂપિયા જ ફંડમાં આપ્યા છે. ભારત અને જાપાન વચ્ચે થયેલી આ સમજૂતી પ્રમાણે આ પ્રોજેક્ટ 2022 સુધી પૂરો કરવા માટે જાપાને અંદાજે રૂ. 80,000 કરોડનું રોકાણ કરવાનું છે. જ્યારે બાકીના રૂ. 20,000 કરોડ કેન્દ્ર સરકાર રોકાણ કરશે. જાપાની કંપનીએ ફંડિંગ રોકતા હવે નીતિ આયોગ અને નાણા મંત્રાલય પાસે આ પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાના વિકલ્પ ખૂબ ઓછા છે.