નારાજગીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ‘રાજધર્મ’ મુદ્દે ગુજરાતમાં ફરી એકવાર 2002નું પુનરાવર્તન?

0
66
news/MGUJ-AHM-HMU-LCL-infog-history-repeat-once-again-pm-modi-want-cm-rupani-resignation-but-amit-shah-not-ready-gujarati-n
news/MGUJ-AHM-HMU-LCL-infog-history-repeat-once-again-pm-modi-want-cm-rupani-resignation-but-amit-shah-not-ready-gujarati-n

પૃથ્વીની માફક ઈતિહાસ પણ જાણે ગોળ હોય તેમ એક જ પ્રકારની રાજનૈતિક ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેતું હોય છે. અગાઉ 2002ના રમખાણો વખતે તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પક્ષપાતી વલણ રાખ્યા વગર મુખ્યમંત્રી તરીકેનો પોતાનો રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી. આજે નરેન્દ્ર મોદી પોતે જ્યારે વડાપ્રધાન બની ચૂક્યા છે ત્યારે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા સંદર્ભે મુખ્યમંત્રીને ઠપકો આપીને પક્ષપાત રાખ્યા વગર અસરકારક કામગીરી કરવા તાકિદ કરી રહ્યા છે. આડકતરી રીતે એ રાજધર્મનું પાલન કરવાની જ સલાહ હોઈ ઈતિહાસનું બહુ રસપ્રદ રીતે પુનરાવર્તન થયું ગણાશે. ગાંધીનગરના બદલાતા હવામાનમાં એક ચર્ચા એવી પણ સંભળાઈ રહી છે કે રૂપાણીની મોળી કામગીરીથી નારાજ મોદી તેમને હટાવવા ઈચ્છે છે, પરંતુ અમિત શાહને આ કહ્યાગરા મુખ્યમંત્રી વધુ માફક આવતા હોવાથી તેઓ રૂપાણીનો બચાવ કરી રહ્યા છે. એ પણ ઈતિહાસનો બીજો યોગાનુયોગ ગણાશે.

પરપ્રાંતીયો પરના હુમલાથી ભાજપની છબિ ખરડાઇ

રૂપાણીની કામગીરીથી વડાપ્રધાન સખત નારાજ છે. તેમાં પણ છેલ્લા છ દિવસથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને ભાજપની છબિ ખરડાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરીને સખત શબ્દોમાં ચીમકી આપી હતી. સેન્ટ્રલ આઈબીએ પણ રાજ્ય સરકારની કામગીરી નબળી રહી હોવાનું તારણ કાઢ્યું હતું. ગત ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલી હિંસા પ્રત્યે સરકારે આંખ મિંચામણા કર્યા. સ્થાનિક વોટબેન્કને રાજી રાખવા અને કોંગ્રેસને પછાડવા રાજકારણ રમવામાં વખત બગાડ્યો. એટલી વારમાં પરપ્રાંતિયોમાં ભય એટલી હદે વ્યાપી ગયો કે સામુહિક હિઝરત થવા લાગી. આથી હવે રાષ્ટ્રીય સ્તરે ભાજપની છબી ખરડાઈ રહી છે. સ્વયં વડાપ્રધાન મોદી બનારસના સાંસદ છે અને તેમના મતક્ષેત્રમાં પણ ગુજરાતની ઘટનાના ગંભીર પડઘા પડી રહ્યા છે.

2002માં વાજપેયીએ સલાહ આપી, આજે આડકતરી રીતે મોદી કહે છે

ત્યારે હિન્દુ-મુસ્લિમના રમખાણો હતા. આજે ગુજરાતી-પરપ્રાંતિય વચ્ચેની હિંસાનો મુદ્દો છે. ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, આજે વિજય રૂપાણી છે. ત્યારે વાજપેયી વડાપ્રધાન હતા, આજે નરેન્દ્ર મોદી છે. આટલા ફેરફારોને ધ્યાનમાં રાખીએ તો ઈતિહાસ જાણે પુનરાવર્તન કરી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર અસરકારક કામગીરી બજાવતી નથી અને તોફાનીઓ પ્રત્યે કૂણું વલણ દાખવે છે એવી વ્યાપક ફરિયાદો વચ્ચે વાજપેયીએ જાહેરમાં નરેન્દ્ર મોદીને કોઈ પક્ષપાત રાખ્યા વગર રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી.

(પરપ્રાંતીયો પર હુમલાઃ PM મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના MEGA SHOW પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું)

આ વખતે પણ રાજ્ય સરકાર સ્થિતિને કાબૂમાં લેવામાં ઉણી ઉતરી રહી છે એવી છાપ વ્યાપક છે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ઘટનાના પડઘા પડી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકારને કડક હાથે કામ લેવા સુચના આપવી પડી છે. વડાપ્રધાને આવી સુચના આપવી પડે એ બાબત પોતે જ દર્શાવે છે કે રાજ્ય સરકારની કામગીરીથી વડાપ્રધાન સંતુષ્ટ નથી. વડાપ્રધાનની સુચનામાં રાજધર્મ શબ્દનો ઉપયોગ ભલે ન થયો હોય, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપની અને પોતાની છબી બગડતી અટકાવવા તેઓ ઈચ્છે છે કે રાજ્ય સરકાર પક્ષપાત દાખવ્યા વગર તોફાનીઓ સામે પગલાં લે અને પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી કરાવે.

ત્યારે અડવાણી હતા, અત્યારે અમિત શાહ છે

બીજો ય રસપ્રદ યોગાનુયોગ એવો છે કે 2002માં મુખ્યમંત્રી મોદીની કામગીરીથી નારાજ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી તેમનું રાજીનામું માંગી લેવાના મતના હતા, પરંતુ અડવાણીનું મોદીને મજબૂત સમર્થન હોવાના કારણે એ વખતે મોદી સત્તા પર ટકી ગયા હતા. અત્યારે મોદી પોતે જ રુપાણીથી નારાજ છે પરંતુ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું તેમને સમર્થન હોવાના કારણે તેઓ ટકી રહ્યા છે. સરકાર કે સંગઠન ગમે તેવા દાવાઓ કરે પરંતુ પક્ષમાં આંતરિક સ્તરે જૂથવાદ વકરેલો છે તેના એક કહેતાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. ખાસ કરીને, રુપાણી-નીતિનભાઈ વચ્ચેની અંટસ વારંવાર અલગ અલગ સ્વરૂપે, અલગ અલગ તીવ્રતાથી સામે આવતી રહી છે. હાલમાં વાઈબ્રન્ટ નવરાત્રિના પોસ્ટર્સમાં પણ નીતિનભાઈની ભેદી બાદબાકી તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. 2002ના રમખાણો ગુજરાતની રાજનીતિમાં અને નરેન્દ્ર મોદીનું રાજકીય ભાવિ ઘડવામાં અત્યંત નિર્ણાયક બની રહ્યા હતા. 2018ની હાલની ઘટનાઓ વિજય રૂપાણી માટે કેવી નીવડે છે એ જોવું રસપ્રદ બની રહેશે.