અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, કાશ્મીર પહોંચ્યા NSG કમાન્ડો

0
121

કેન્દ્ર સરકાર રમઝાન બાદ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશનને સ્થગિત કરવાને લઈને હાલ ‘વેટ એંડ વોચ પૉલિસી’ પર કામ કરી રહી છે. આ દરમિયાન એક સૈનિક અને એક પત્રકારની હત્યાએ આતંકવાદીઓના વધતા જતા સાહસ તરફ ધ્યાન દોર્યું છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છે કે, પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન અમરનાથ યાત્રા દરમિયાન મોટો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે જે 21 દિવસ સુધી ચાલશે.

રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન સ્થગિત કરવાની સમીક્ષા માટે ગુરૂવારે જ ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મેહબૂબા સરકારે આ વખતે કેન્દ્ર સરકાર પાસે વધારે 22 હજાર જવાનોની માંગણી કરી છે.

આ બેઠકના બીજા જ દિવસે સુરક્ષા એજન્સીઓને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ્સ મળ્યાં છે. જેમાં અમરનાથ યાત્રા આ વખતે પણ ત્રાસવાદીઓના નિશાને હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો અમરનાથ યાત્રામાં વિક્ષેપ ઉભો કરવા માંગે છે. તેઓ અમરનાથ યાત્રીઓ પર હુમલા કરવા મોટા ષડયંત્રને અંજામ આપવાના બદઈરાદાઓ ધરાવે છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તચર એજન્સીઓએ જાણકારી આપી છે કે, સુરક્ષા બળો પર મોટો હુમલો કરવા માટે આતંકવાદીઓ ષડયંત્ર રચી રહ્યાં છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવા માટે આતંકીઓ શ્રદ્ધાળુઓ કે પછી સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવા માટે IED નો પયોગ કરી શકે છે.

ગત વર્ષે પણ અમરનાથ યાત્રીઓ પર ત્રાસવાદી હુમલો થયો હતો. જેમાં ગુજરાતથી આવેલા અમરનાથ યાત્રીઓની બસને નિશાન બનાવીને ભિષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.