Home >> Sports>>Cricket
કોહલીએ ઓલટાઇમ રેન્કિંગમાં બ્રાયન લારાને છોડયો પાછળ, ગાવસ્કરથી માત્ર ચાર પોઇન્ટ પાછળ
Source :     |  Last Updated: 2018-01-29 22:54:45

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષે વધુ એક સફળતા મેળવી છે. જોહાનિસબર્ગ ટેસ્ટમાં જીત મેળવવાની સાથે વિરાટ કોહલીએ બેટિંગમાં પણ સારો દેખાવ કર્યો હતો. કોહલીએ આ મેચની પ્રથમ ઇનિંગમાં 54 અને બીજી ઇનિંગમાં 41 રન બનાવ્યા હતા જેને કારણે 12 પોઇન્ટ મેળવી ટેસ્ટ બેટ્સમેનોની ઓલટાઇમ આઈસીસી પ્લેયર રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડીઝના મહાન ખેલાડી બ્રાયન લારાને પાછળ છોડયો હતો. લારાના 911 પોઇન્ટ હતા જ્યારે વિરાટ કોહલીના હવે 912 પોઇન્ટ થઈ ગયા છે. અને તે 900થી વધુ પોઇન્ટ મેળવનાર 31 ખેલાડીઓની યાદીમાં 26મા ક્રમે પહોંચી ગયો છે.

વિરાટ કોહલીએ લારા ઉપરાંત કેવિન પીટરસન (909), હાશીમ અમલા (907 ), શિવનારાયણ ચંદ્રપોલ (901) અને માઇકલ ક્લાર્ક (901)ને પણ પાછળ છોડયા હતા. આ લિસ્ટમાં વર્તમાન ક્રિકેટરોમાં સૌથી આગળ સ્ટીવન સ્મિથ છે જેના કુલ 947 પોઇન્ટ છે. સ્મિથ ઓલટાઇમ રેન્કિંગમાં બ્રેડમેન બાદ બીજા સ્થાને છે. કોહલી હવે આ લિસ્ટમાં આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ સુનીલ ગાવસ્કરની નજીક પહોંચી ગયો છે. ગાવસ્કરના 916 પોઇન્ટ છે.

 
 
 
 

 

વિરાટ કોહલી પાસે હવે સુનીલ ગાવસ્કરને પાછળ છોડવાની તક આગામી જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામે યોજાનારી એક માત્ર ટેસ્ટમાં રહશે. જો કોહલી તેમાં ચૂકી જાય તો ઇંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ સિરીઝ દરમિયાન ગાવસ્કરને પાછળ છોડી શકે છે.જોહાનિસબર્ગ ટેસ્ટ બાદ ભારતીય ખેલાડીઓની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. અજિંક્ય રહાણે પાંચ સ્થાનના ફાયદા સાથે 18મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે ચેતેશ્વર પૂજારાએ છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે. ઓપનર લોકેશ રાહુલને બે સ્થાનનું નુકસાન થતાં 20મા ક્રમે ધકેલાયો છે. સાઉથ આફ્રિકન બેટ્સમેનોમાં હાશિમ અમલા એક સ્થાનના ફાયદા સાથે સાતમા ક્રમે પહોંચ્યો છે.

ઓપનર ડીન એલ્ગર બે સ્થાનના ફાયદા સાથે 12મા ક્રમે પહોંચ્યો છે જ્યારે સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને બે સ્થાનનું નુકસાન થતાં 14મા ક્રમે ધકેલાયો છે. ડી કોકને પણ સાત સ્થાનનું નુકસાન થતાં 27મા ક્રમે ધકેલાયો છે. ઓપનર એડન માર્કરામને 10 સ્થાનનું નુકસાન થતાં તે 48મા ક્રમે ધકેલાઈ ગયો છે.

બોલિંગમાં શમી, ભુવનેશ્વરને ફાયદો
ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતના મોહંમદ શમીએ બે સ્થાનના સુધારા સાથે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 15મો ક્રમાંક મેળવી લીધો છે. તે જ રીતે ભુવનેશ્વરકુમારે પણ બે સ્થાનના ફાયદા સાથે પ્રથમ વાર ટોપ-20માં સ્થાન મેળવી લીધું છે. તે હવે 20મા ક્રમે પહોંચી ગયો છે. ઇશાંત શર્મા પણ ત્રણ સ્થાનના ફાયદા સાથે 26મા ક્રમે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનાર જસપ્રીત બુમરાહે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી જેને કારણે તે ૩૬ સ્થાનના ફાયદા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 46મા ક્રમે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકાના મોર્ને મોર્કેલે પણ બે સ્થાનનો ફાયદો મેળવતાં નવમો ક્રમાંક મેળવ્યો છે.

ભુવનેશ્વર અને શમીએ ઓલરાઉન્ડર્સની યાદીમાં પણ પોતાની રેન્કિંગ સુધારી છે. ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ભુવનેશ્વર રબાદા સાથે સંયુક્તરીતે 12મા ક્રમે પહોંચી ગયો છે જ્યારે શમીએ પણ 10 સ્થાનના ફાયદા સાથે 17મો ક્રમાંક મેળવી લીધો છે. ટોપ-10 બોલરોમાં ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 887 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે જ્યારે કાગિસો રબાદા 875 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. જાડેજા ત્રીજા, હેઝલવૂડ ચોથા અને અશ્વિન પાંચમા સ્થાને છે.


Keywords : radha,,sita