Home >> Gujarat>>Madhya Gujarat >>Ahmedabad
હાઇપ્રોફાઇલ સ્યુસાઇડ: પરિવાર વચ્ચેનો આર્થિક ઝઘડો જ શું જશવંત બીડીવાળા જિતેન્દ્રભાઈના આપઘાતનું મૂળ
Source :     |  Last Updated: 2018-03-12 20:32:47

એસ.જી.હાઈ-વે પર કર્ણાવતી ક્લબ પાછળ આવેલી સ્પ્રિંગવેલી સોસાયટીમાં બંગ્લા નંબર-એ-૧૫માં રહેતા જશવંત છાપ બીડીવાળા જિતેન્દ્રકુમાર પ્રહલાદભાઈ પટેલ (ઉ.વ.૬૬)એ લાઈસન્સવાળી વેબ્લી રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારીને શનિવારે મધરાતે આપઘાત કરી લીધો હતો.રાજાભાઈ બીડીવાળા તરીકે જાણીતા જિતેન્દ્રભાઈના આપઘાતની ઘટનાને લઈ પોલીસ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે વીડિયોગ્રાફી કરી પંચનામું કર્યું હતું. જિતેન્દ્ર પટેલનો મૃતદેહ વીએસ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

એસ.જી.હાઈ-વે ઉપર કર્ણાવતી ક્લબ પાછળ મહંમદપુરા રોડ ઉપર આવેલ સ્પ્રિંગવેલી સોસાયટીમાં બંગ્લા નં-એ ૧૫માં જશવંતબીડીના માલિક જિતેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ તેમના પત્ની ભગવતીબેન, પુત્ર ચિંતન (ઉ.૩૬) અને પુત્રી શ્વેતા સાથે રહે છે. ચિંતન જિતેન્દ્રભાઈ સાથે પંચવટી નુરભાઈ ટેકરા ખાતે હેલીઓઝ ફાર્માસ્યુટીકલ નામની દવાની કંપની ધરાવે છે અને વેપાર કરે છે, જ્યારે જિતેન્દ્ર પટેલ તમાકુના બિઝનેસ ઉપરાંત ફાર્મસીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. તા.૧૦મીને શનિવારની રાતે રાબેતા મુજબ જમીને જિતેન્દ્રભાઈ પોતાના ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં ગયા હતા અને ટીવી ચાલુ કર્યું હતું. દરમિયાન જિતેન્દ્રભાઈના પત્ની ભગવતીબહેન ગ્રાઉન્ડ ફ્લોરના સામેના બેડરૂમમાં સુઈ ગયા હતા. રાત્રે દોઢ વાગ્યે પુત્ર ચિંતન પાણી પીવા માટે ઊઠયો ત્યારે જિતેન્દ્રભાઈના રૂમમાં ટીવી ચાલુ હતું. વહેલી સવારે સાડા છ વાગ્યે પણ ટીવી ચાલુ હતું ત્યારે જિતેન્દ્રભાઈના પત્નીએ બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેઓ અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહીં ગયા હતા. ડબલ બેડ ઉપર જિતેન્દ્રભાઈનો મૃતદેહ પડેલો હતો. આથી તેમને પુત્ર ચિંતનને જાણ કરતાં પોલીસને છેક ૮.૨૦ વાગે જાણ કરાઈ હતી. પુત્ર ચિંતને પોલીસને જાણ કરતાં સાડા આઠ વાગ્યે પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં પુત્ર ચિંતને જણાવ્યું હતું કે, જિતેન્દ્રભાઈ ડિપ્રેશનમાં હતા અને છેલ્લા બે વર્ષથી સેટેલાઈટની જીઆઈપીએસ હોસ્પિટલની દવા ચાલતી હતી. જિતેન્દ્રભાઈના રૂમમાંથી કોઈ સ્યુસાઈડ નોટ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેઓ ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા.

 
 
 
 

 

રાજાભાઈ બીડીવાળા તરીકે જાણીતા હતા
જશવંત છાપ બીડીવાળા જિતેન્દ્ર પટેલ ઉર્ફે રાજાભાઈ સ્વભાવે મોજીલા હતા અને લોકો રાજાભાઈ બીડીવાળા નામે બોલાવતા હતા. જશવંત છાપ બીડીના સ્થાપક જશવંતભાઈ પટેલના ભાઈ પ્રહલાદભાઈના દીકરા જિતેન્દ્રભાઈ હતા. જિતેન્દ્રભાઈની દીકરી શ્વેતા અને દીકરો ચિંતન જેઓ અમેરિકા અભ્યાસ કરીને પરત આવ્યા બાદ પરણાવ્યા હતા.

મોડી રાત્રે જ ગોળી મારી, પરિવાર અજાણ
પોલીસની નોંધ મુજબ જિતેન્દ્રભાઈએ રાતના ૧.૩૦ વાગ્યાથી સવારના સાડા છ વચ્ચે આપઘાત કર્યો હોઈ શકે. જો કે, પીએમ કરનાર ડોક્ટર અને પોલીસ અધિકારીઓએ મૃતદેહ પાસે પડેલા લોહીની સ્થિતિ જોઈ કરેલા તારણ મુજબ આપઘાત મોડી રાતે જ કર્યો હતો. પરિવાર કહે છે કે, ટીવી ચાલુ હોવાથી તેમણે ગોળીનો અવાજ સાંભળ્યો નથી.

અગાઉ પરિવારના સભ્યનું અકસ્માતમાં મોત થયું હતું
જિતેન્દ્રભાઈના કૌટુંબિક સંજયભાઇના પુત્ર આકાશનું ૨૦૧૫માં નારણપુરા અમીકુંજ પાસે કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

જિતેન્દ્ર પટેલ હાઈપ્રોફાઈલ લાઈફ જીવતા હતા
બિઝનેસમેન જિતેન્દ્ર પટેલ હાઇપ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ માટે જાણીતા હતા. તેઓ દારૂની પરમિટ અને લાઈસન્સવાળી ઇમ્પોર્ટેડ વેલ્બી રિવોલ્વર ધરાવતા હતા. તેઓ ફુરસદનો સમય ટીવી જોવામાં પસાર કરતા હતા.

બીડીવાળા પરિવાર ધનાઢય ગણાય છે
શહેરમાં અનેક મોખરાના સ્થળોએ મિલકતો ધરાવતા જશવંત બીડીવાળા પરિવારની ગણતરી ધનાઢય પરિવાર તરીકે થાય છે.

પોલીસને કેમ મોડી જાણ કરાઇ ?
આપઘાત થયો હોવાની જાણ પરિવારને સવારે સાડા છ વાગ્યે થઈ હતી છતાં આૃર્યની વાત એ છે કે આપઘાતની માહિતી પોલીસને આશરે પોણા બે કલાક મોડી એટલે કે છેક સવારે ૮.૨૦ વાગે અપાઈ હતી. આમ પરિવારજનોએ પોલીસને તાકીદે જાણ કેમ ન કરી ? તેના લીધે તર્કવિતર્ક ઊભા થયા છે. કંટ્રોલ રૂમને ૮.૨૦ વાગે ફોન આવ્યો હતો. જ્યારે સરખેજ પોલીસ ૮.૩૦ પછી પહોંચી હતી.

પરિવારના સભ્યોએ મીડિયાથી અંતર રાખ્યું
હાઈપ્રોફાઈલ કેસની જાણ થતાં બિલ્ડરોથી લઈ ઉદ્યોગપતિઓ બંગલે ઉમટી પડયા હતા પરંતુ, ઘરની એક પણ વ્યક્તિ કંઈ બોલવા તૈયાર નહોતી. એટલું જ નહીં મીડીયાને પણ ઘરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આગલી રાતે જે બંગલામાં આપઘાત થયો એ જ બંગલામાં બીડીવાળા પરિવારના સભ્યો વચ્ચે નાણાકીય માથાકૂટ હોવાની ચર્ચા છે. જે અંગે ચુપકીદી સેવવામાં આવી છે.

ડિપ્રેશન હતું તો રિવોલ્વરનું લાઈસન્સ કેમ ?
રિવોલ્વરનું લાઈસન્સ દર ૩ વર્ષે રિન્યુ કરાવવાનો નિયમ છે. ડીપ્રેશન હોય કે અન્ય કોઇ ગંભીર બિમારી હોય અને હથિયાર ચલાવવાની ક્ષમતા ના હોય તો લાઈસન્સ રદ કરવામા આવે છે. જો કે પરવાના ધારક અથવા તેના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામા આવે તો જ પોલીસને ખબર પડે છે. હવે જિતેન્દ્રભાઈના પુત્રએ તેમણે ડિપ્રેશનમાં હોવાથી આપઘાત કર્યો હોવાનું કહ્યું છે ત્યારે ડીપ્રેશન હોવા છતાં લાઈસન્સ રિન્યુ કરતી વખતે પુત્રને આવી જાણ કરવાનું કેમ ન સૂઝયું તેવો પ્રશ્ન ઊભો થાય છે.

રિવોલ્વરથી ગળે ગોળી માર્યાની વાત પચતી નથી
સામાન્ય રીતે રિવોલ્વરથી આપઘાતના કિસ્સામાં લમણે ગોળી મારીને જિંદગી ટૂંકાવવામાં આવે છે પરંતુ આ કેસમાં જિતેન્દ્ર પટેલે ગળે ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસ પણ શરૂઆતમાં કાન પાછળ મોટો ડાઘ જોઇ ત્યા જ ગોળી મારી હોવાનું માની રહી હતી, પરંતું પીએમ દરમિયાન આખરે જાણ થઇ હતી કે, જિતેન્દ્ર પટેલના લમણે તો ડાઘ હતો અને ગળા પર ગોળી મારી હતી. આવો તર્ક સ્વાભાવિક હોવા છતાં પુત્ર ચિંતને જિતેન્દ્રભાઈએ ડિપ્રેશનમાં હોવાથી આપઘાત કર્યો હોવાનું કહ્યું હતું. દારૂની પરમિટ હોવાથી રાત્રે દારૂના નશામાં હતા કે કેમ તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિવાર વચ્ચેનો આર્થિક ઝઘડો જ શું જિતેન્દ્રભાઈના આપઘાતનું મૂળ ?
કર્ણાવતી ક્લબ પાસે આવેલા સ્પિંગવેલી સોસાયટીમાં જશવંત બીડીવાળા જિતેન્દ્ર પટેલે કરેલા આપઘાતે અનેક રહસ્યના તાણાવાણા ઉભા કર્યા છે.
ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોમાં ચાલતી ચર્ચા મુજબ જિતેન્દ્રભાઈને કુટુંબમાં છેલ્લા ઘણા સમયથી નાણાંકીય માથાકૂટ ચાલતી હતી.જેનો કોઈ નિવેડો આવતો નહોતો. શનિવારે જિતેન્દ્રભાઈના ઘરે ઘરના સભ્યો સાથે આ મુદ્દે મિટિંગ કરી હતી અને નાણાકીય મડાગાંઠ ઉકેલવાના પ્રયાસ કર્યો હતો. જો કે, તેમાં કોઈ નિવેડો આવ્યો નહોતો આથી આવેશમાં આવી જઈને જિતેન્દ્રભાઈએ પોતાના રૂમમાં જઈ ર્સિવસવાળી વેબ્લી રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો.

ઘટનાસ્થળે આપઘાત જ્યાં થયો તે બંગલાની સામે આવેલા મેદાનમાં ઉભેલા સ્થાનિક વ્યક્તિઓની પૂછપરછ કરતાં તેમણે પણ રાત્રે બંગલામાં માથાકૂટ થઈ રહી હોવાના અવાજો સાંભળ્યા હતા. જો કે, આપઘાત થયો તે પછી પરિવારના સભ્યોએ આવી માથાકૂટ અંગે એક હરફ સુદ્ધા પણ ઉચ્ચાર્યો નથી અને પોલીસે કરેલી નોંધમાં પણ આનો કોઈ ઉલ્લેખ નથી. હાઈપ્રોફાઈલ કેસનું રહસ્ય સાચું ક્યારે બહાર આવશે એ તો સમય જ બતાવશે.


Keywords : jiyan,sonal,devi,rakesh