Home >> India
ખાલિસ્તાન મામલે નરેન્દ્ર મોદીએ કેનેડાના PM ટ્રુડોને ઈશારામાં જ સંભળાવી દીધું
Source :     |  Last Updated: 2018-02-23 20:17:23

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની બેઠક થઈ હતી. ભારત પ્રવાસે આવેલા જસ્ટિન ટ્રુડો તેમના ખાલિસ્તાન સમર્થકો પ્રત્યેની લાગણીને લઈને ચર્ચાનો વિષય બન્યા છે અને વિવાદમાં સપડાયા છે. પીએમ મોદીએ ઈશારામાં જ ટ્રુડોને ખાલિસ્તાન મામલે સંભળાવી દીધું હતું.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતની સંપ્રભુતા અને અખંડતાને પડકારનારને સાંખી નહીં લેવામાં આવે. ભાગલા પાડવાની ખાઈ ખોદનારાઓ માટે કોઈ જ સ્થાન નથી.

 
 
 
 

 

દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, અમારી અનેક મુદ્દે સહમતિ બની છે. બંને દેશો મળીને રક્ષા સહયોગ વધારે સુદ્રઢ બનાવવાનો છે. મોદીએ કહ્યું હતું કે ઉગ્રવાદ અને આતંકવાદ ભારત અને કેનેડા જેવા લોકતાંત્રિક બહુમૂલ્યો ધરાવતા સમાજ માટે ખતરારૂપ છે. આ શક્તિઓનો સામનો કરવા અમારૂ સાથ આવવું ખુબ જરૂરી છે. આતંકવાદ અને ઉગ્રવાદને સાંખી લેવામાં નહીં આવે.

મોદીએ ટ્રુડોને કહ્યું હતું કે, તમારો પ્રવાસ અપેક્ષિત હતો. તમારા અહીં આવવાથી મને આનંદ થયો છે. કેનેડામાં વસતા ભારતીયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કેનેડામાં 1 લાખ 20 હજારથી પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યાં છે. ભારત અને કેનેડા વચ્ચે પ્રોફેશનલ્સનું પ્રવાસન સરળ બનાવવા માટેના એમઓયૂ ઓફ હાયર એજ્યુકેશન કરાર થયા છે.

કેનેડાને યૂરેનિયમનું મોટું સપ્લાયર ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગ પર પણ સહમતિ સધાઈ છે. અમે શાંતિ સ્થાપવામાં સહયોગ આપવાને લઈને પણ સહમત થયાં છીએ. કેનેડામાં રહીને અનેક સફળતાઓ હાંસલ કરનારા ભારતીય સમુદાય પર અમને ગર્વ છે. ભારત પ્રગતિ અને વિકાસના કેનેડાની ભાગીદારી ઈચ્છે છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, કેનેડા સાથેની પોતાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા ભારત ખુબ મહત્વ આપે છે. બંને દેશોના સંબંધ લોકતંત્ર, બાહુલ્યવાદ, કાયદાની સર્વોચ્ચતા અને આંતરીક સંપર્ક પર આધારીત છે.

જોકે ખાલિસ્તાનના સમર્થક નેતાઓ સાથે મુલાકાત અને તેમને ડિનર પાર્ટીમાં આમંત્રણ આપવા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સમકક્ષને ઈશારામાં જ સંભળાવી દીધું હતું. મોદીએ કહ્યું હતું કે ભારતની સંપ્રભુતા અને અખંડતાને પડકારનારને બિલકુલ સાંખી નહીં લેવામાં આવે. ભાગલા પાડવાની ખાઈ ખોદનારાઓ માટે કોઈ જ સ્થાન નથી. આતંકવાદ અને ઉગ્રવાદને કદાપી ચલાવી લેવામાં આવશે નહીં.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં તેમના સ્વાગતને લઈને આભાર માન્યો હતો. ટ્રુડોએ કહ્યું હતું કે, ઘણા બધા મૂલ્યો બંને દેશો (કેનેડા અને ભારત)ની મિત્રતાને પ્રોત્સાહિત કરે છે.

જસ્ટિન ટ્રુડો 7 દિવસના ભારતના પ્રવાસે આવ્યાં છે. ટ્રુડો ગુજરાત, મુંબઈ અને પંજાબ સહિત અનેક ઠેકાણે ફર્યા હતાં. આજે શુક્રવારે તેમની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. બંને દેશના નેતાઓ એકબીજાને ઉમળકાભેર મળ્યાં હતાં. આ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને કેનેડા વચ્ચે 6 સમજુતિઓ પર હસ્તાક્ષર કર્યા હતાં.


Keywords : piyush,ami