Home >> Politics
મોદી કેબિનેટ: સીતારામન નવા રક્ષા મંત્રી, પીયૂષ ગોયલ રેલ મંત્રી
Source :     |  Last Updated: 2017-09-03 18:31:00

Nirmala Sitharamanવડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું. અઠવાડિયાઓથી ચાલતી બેઠક અને વિચાર વિમર્શ બાદ પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવા મંત્રીઓના નામ નક્કી કર્યા હતાં. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં આજે કુલ 13 મંત્રીઓએ શપથ લીધા. જેમાં યુપી-બિહારના 2-2 અને કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાંથી એક-એક મંત્રી સામેલ કરાયા. આ ઉપરાંત 4 મંત્રીઓને કેબિનેટ રેન્કમાં પ્રમોશન મળ્યું છે. નિર્મલા સીતારમન દેશના આગામી રક્ષા મંત્રી બન્યા  છે. જેટલીનો વધારાનો કાર્યભાર રક્ષા મંત્રાલય નિર્મલા સીતારમણને સોંપાયો છે. જેટલી પાસે નાણા મંત્રાલય પણ છે. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી બાદ નિર્મલા દેશના બીજા મહિલા  રક્ષા મંત્રી હશે. જો કે ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન હતા ત્યારે જ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. નિર્મલા સીતારમન સંભવત 6 સપ્ટેમ્બરથી રક્ષા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે.
સીતારમને કેબિનેટમાં મળેલી બઢતીને પરમેશ્વરની કૃપા ગણાવી હતી. શપથ ગ્રહણ કર્યાં બાદ સીતારમને પત્રકારોને જણાવ્યું હતું કે, એક નાનકડા શહેરમાંથી આવી નેતૃત્વના સમર્થનથી પાર્ટીમાં આગળ વધનારને આ પ્રકારની મહત્ત્વની જવાબદારી અપાય તો તમને લાગે કે આ પરમેશ્વરની જ કૃપા છે. આ તદ્દન અસંભવિત બાબત હતી. સીતારમન હવે અરુણ જેટલી પાસેથી રક્ષા મંત્રાલયનો હવાલો સંભાળી લેશે. સીતારમન રક્ષા મંત્રી બનવાની સાથે કેબિનેટની અત્યંત શક્તિશાળી ગણાતી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિના સભ્ય પણ બની ગયાં છે.
મોદી સરકારમાં વાણિજ્ય રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા સીતારમને બહુઆયામી મંત્રણાઓમાં સારી કામગીરી કરી વડા પ્રધાન મોદીનો વિશ્વાસ જીતી લીધો હતો. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે પાર્ટીના પ્રવક્તા તરીકે સીતારમને સારી કામગીરી દ્વારા પાર્ટી નેતૃત્વનો વિશ્વાસ જીત્યો હતો. વાણિજ્ય મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સંભાળતી વખતે નિર્મલાએ મક્કમતા સાથે વેપાર મંત્રણાઓ સફળતાથી પાર પાડી હતી. અમેરિકામાં વિઝા નિયમો આકરાં થતાં આંતરરાષ્ટ્રીય મંચ પર સીતારમને ભારતની ચિંતાઓને અસરકારકતાથી રજૂ કરી હતી. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીમાં અભ્યાસ કરનાર નિર્મલા સીતારમનના સાસુ અને સસરા કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. નિર્મલા સીતારમન ભાજપના પ્રવક્તા તરીકે ગુજરાતમાં ઘણા જાણીતા બન્યાં હતાં.
રક્ષા મંત્રી તરીકેની અત્યંત મહત્ત્વની જવાબદારી સીતારમનને શિરે
ડોકા લામાં ચીન સાથે સરહદી વિવાદ બાદ વિપક્ષનો આરોપ હતો કે સરકાર સરકાર રક્ષા મંત્રાલયમાં સ્વતંત્ર મંત્રીની નિયુક્તિ નહીં કરીને દેશની સુરક્ષા સાથે રમત કરી રહી છે. ચીન સાથે ભવિષ્યમાં થનારા સંઘર્ષો અને સરહદ પર પાકિસ્તાની સેનાના યુદ્ધવિરામ ઉલ્લંઘન જેવી મહત્ત્વની બાબતોમાં સીતારમને કૂટનીતિક નિર્ણયો લેવાં પડશે. તે ઉપરાંત ભારતીય સશસ્ત્ર દળોમાં પ્રવર્તતી શસ્ત્ર સરંજામની અછતની ગંભીર સમસ્યાને ઉકેલવા મહત્ત્વના સંરક્ષણ કરારોમાં સમજદારીથી આગળ વધવું પડશે.
આ બાજુ મંત્રીમંડળના વિસ્તરણ બાદ રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કરીને રેલવે મંત્રાલય છોડ્યાના સંકેત આપી દીધા હતાં. તેમણે ટ્વિટ કરીને તમામ 13 લાખ કર્મચારીઓનો તેમના સાથ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો. તેમને વાણિજ્ય મંત્રી બનાવવામાં આવ્યાં છે. ત્યારબાદ પિયૂષ ગોયલ હવે આ મંત્રાલયની જવાબદારી સંભાળશે. મુઝફ્ફરનગર ખતૌલીમાં રેલ અકસ્માત બાદ રેલ મંત્રી સુરેશ પ્રભુએ રાજીનામાની રજુઆત કરી હતી. પીએમ મોદીએ તેમને રાહ જોવા જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયને જવાબદારી યથાવત રહેશે, નિતિન ગડકરીને ગંગા અને જળ સંસાધન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઉ જળ સંસાધન મંત્રાલય ઉમા ભારતી પાસે હતું.
Mukhtar Abbas Naqvi, Dharmendra Pradhan, Nirmala Sitharaman and Piyush Goyalધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ મંત્રાલય ઉપરાંત કૌશલ વિકાસ મંત્રાલયની જવાબદારી પણ સોપવામાં આવી છે. નાણા મંત્રાલય અરુણ જેટલી પાસે જ રહેશે. કહેવાય છે કે અરુણ જેટલી રક્ષા મંત્રી તરીકે જાપાનની બેઠકમાં સામેલ થશે કારણ કે આ કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો. ત્યાર બાદ તેઓ મંત્રાલય છોડશે. નીતિન ગડકરીને ગંગા અને જળ સંસાધન મંત્રાલય મળ્યું છે.
નવા ચહેરાઓની પસંદગીમાં આ 4 Pનું રખાયું ધ્યાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામોની પસંદગીમાં 4 Pને ધ્યાનમાં રાખ્યા હોવાનું કહેવાય છે. જેથી કરીને તેમના ન્યૂ ઈન્ડિયા વિઝન પર કામ થઈ શકે.
PASSION: કામ કરવાનું જૂનુન
PROFICIENCY: કાબેલિયત
POLITICAL UNDERSTANDING: રાજનીતિક સમજ
PROFESSIONAL ACUMEN: વ્યવસાયિક મહારથ

 

 

 

મંત્રીમંડળમાં ફેરફાર અને નવા મંત્રીઓને થયેલી વિભાગોની ફાળવણી 
   
મંત્રીઓ ફાળવવામાં આવેલો પોર્ટફોલિયો 
   
કેબિનેટ મંત્રી  
   
ધર્મેન્દ્ર પ્રધાન કૌશલ વિકાસ અને પેટ્રોલિયમ મંત્રાલય
પીયુષ ગોયલ રેલવે મંત્રાલય
નિર્મલા સીતારમન રક્ષા મંત્રાલય
મુખ્તાર અબ્બાસ નકવી અલ્પસંખ્યક મંત્રાલય
સ્મૃતિ ઈરાની સૂચના અને પ્રસારણ મંત્રાલય, ટેક્સટાઈલ મંત્રાલય
નીતિન ગડકરી જળ સંસાધન મંત્રાલય, રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે, શિપિંગ, ગંગા
ઉમા ભારતી પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય
અરુણ જેટલી નાણા મંત્રાલય, કોર્પોરેટ અફેર્સ
સુરેશ પ્રભુ વાણિજ્ય મંત્રાલય
   
નરેન્દ્ર તોમર ગ્રામીણ વિકાસ અને ખનન, પંચાયતી વિકાસ મંત્રી પણ રહેશે
   
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)
   
શિવપ્રતાપ શુકલા નાણા રાજ્ય મંત્રી
અશ્વિનીકુમાર ચૌબે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી
વીરેન્દ્રકુમાર મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી
અનંતકુમાર હેગડે કૌશલ વિકાસ રાજ્યમંત્રી
રાજકુમાર સિંહ પાવર તથા વીજળી અને વૈકલ્પિક ઉર્જા મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી)
હરદીપ સિંહ પુરી આવાસ અને શહેરી વિકાસ (સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી)
ગજેન્દ્રસિંહ શેખાવત કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય
સત્યપાલ સિંહ માનવ સંસાધન મંત્રાલય
અલ્ફોન્ઝ ક્ન્નનથનમ પર્યાવરણ મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર)
ગિરીરાજ સિંહ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર)
રાજ્યવર્ધન રાઠોડ યુવા અને ખેલ મંત્રાલય( સ્વતંત્ર પ્રભાર)
   
રાજ્યકક્ષાના મંત્રી  
   
વિજય ગોયલ સંસદીય કાર્ય રાજ્યમંત્રી

 


Keywords : modi, gujarat, cabinet, delhi new delhi, sunvilla samachar, narendra, pm, india