Home >> Gujarat>>Madhya Gujarat >>Vadodara
નવી સરકારમાં અવગણનાઃ વડોદરાના ધારાસભ્યોની રાજીનામાની ચીમકી
Source :     |  Last Updated: 2017-12-29 21:15:50

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં નવી સરકારની રચના તો થઈ ગઈ છે પરંતુ તેમાં મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરાની અવગણના થઈ હોવાથી મધ્ય ગુજરાત અને વડોદરાના ૧૦ જેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ ઉગ્રતાપૂર્વક નારાજગી વ્યક્ત કરી હતી અને તે પૈકીના ૧૦ જેટલા ધારાસભ્યોએ તો ધારાસભ્ય પદેથી જ રાજીનામા ધરી દેવાની ચીમકી ઉચ્ચારી હોવાની ચર્ચા છે.

નવી સરકારમાં કચ્છના એક અને સૌરાષ્ટ્રના છ મળીને કુલ ૭ મંત્રીઓને સમાવાયા છે. જ્યારે અમદાવાદના ૨ સહિત ઉત્તર ગુજરાતના ૫ મંત્રીઓ લેવાયા છે. દક્ષિણ ગુજરાતમાંથી પણ ૫ને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાંથી માત્ર મધ્ય ગુજરાત-હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને બચુભાઈ ખાબટ એમ માત્ર બે મંત્રીઓને મંત્રી પદ અપાયું છે. જ્યારે વડોદરા શહેરમાંથી ભાજપને ૮ બેઠકો ઉપર જીત મળી હોવા છતાં ત્યાંના એકપણ ધારાસભ્યને તક અપાઈ નથી. એવી જ રીતે સુરતમાંથી પણ મૂળ સુરતના એકપણ ધારાસભ્યને મંત્રી બનાવાયા નથી.

આવી સ્થિતિમાં વડોદરા અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોમાં અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. જેમાં વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, સી.કે.રાઉલજી સહિતના ૧૦ જેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી દીધી છે. એક તબક્કે તો વડોદરાના ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી. એમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સિનિયર ધારાસભ્ય સી.કે.રાઉલજીને પણ આ વખતે મંત્રીમંડળમાં સામેલ થવાની આશા હતી પરંતુ તે ઠગારી નિવડતાં તેઓ પણ અકળાયા છે. બાબુભાઈ બોખીરિયાને તો મંત્રીમંડળમાં લેવાયા નથી પણ તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવાની ગણતરી રખાઈ છે પણ પ્રાપ્ત સંકેત મુજબ બોખીરિયા આ પદ માટે તૈયાર નથી એટલે હવે, તેમને ક્યા પદે સમાવવા તેની પણ મૂંઝવણ મુખ્યમંત્રી માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.


Keywords : tima,pinal