Home >> More>>Career Guide
હાયર એજ્યુકેશન કાઉન્સિલના હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા હવે તેજ કરાશે
Source :     |  Last Updated: 2017-12-27 18:23:58

ગુજરાતના હાયર એજ્યુકેશનમાં પ્રવર્તતી વિસંગતતા દૂર કરીને એકસૂત્રતા લાવવા માટે હાયર એજ્યુકેશન કાઉન્સિલની રચના કરવામાં આવી છે.  વિધાનસભામાં આ બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. રાજયપાલે લાંબો સમય સુધી આ બિલ પડયું રહેવા દીધા બાદ આખરે સહી કરીને મંજૂરીની મહોર મારી દીધી છે. જેના કારણે તા.૧લી મેથી કાઉન્સિલ અસ્તિતત્વમાં આવી જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર દ્વારા તાકીદે કાઉન્સિલ અસ્તિત્વમાં લાવવાના બદલે ધીમે ધીમે કામગીરી કરવાનું નક્કી કર્યું હતું. હવે ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, ભાજપ સરકાર યથાવત રહેતા હવે મક્કમ રીતે કાઉન્સિલની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. નવી સરકાર કાર્યરત થયા બાદ સભ્યોની નિમણૂક કરવાની કાર્યવાહી કરાશે. 

ગુજરાતમાં હાયર એજ્યુકેશન કાઉન્સિલની રચનાની જાહેરાત સાથે જ શિક્ષણક્ષેત્રમાં ભૂકંપ આવી ગયો હતો. અમદાવાદ-વડોદરા, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આ કાઉન્સિલ સામે જોરદાર વિરોધ ઊભો થયો હતો. ભારે વિવાદ અને વિરોધના કારણે કાઉન્સિલની રચનામાં સામાન્ય ફેરફારો પણ કરવા પડયા હતા. વિધાનસભામાં આ બિલને મંજૂરી કરાવ્યા પછી પણ ઘણા સમય સુધી રાજયપાલની સહી ન થતાં અમલ અટકી પડયો હતો. છેવટે રાજયપાલે સહી કરતાં જ ૧લી મેથી કાઉન્સિલ અસ્તિત્વમાં આવી જશે તેવી અનૌપચારિક જાહેરાત ગાંધીનગરથી થઇ ચૂકી હતી. કાઉન્સિલમાં કરાયેલી જોગવાઇ પ્રમાણે હોદ્દેદારોની નિમણૂકની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી. જો કે, અગમ્ય કારણોસર કાઉન્સિલમાં હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા અટકાવી દેવાઈ હતી. ચૂંટણી હોવાથી કાઉન્સિલની રચના કરાય તો ચૂંટણી પર સીધી અસર પડે તેમ હોવાથી સરકાર દ્વારા હોદ્દેદારોની નિમણૂક સહિતની તમામ કામગીરી અટકાવી દેવાઈ હતી. શિક્ષણવિદ્દો માનતા હતા તે પ્રમાણે ફરીવાર ભાજપ સરકાર અસ્તિત્વમાં આવતાં નવેસરથી કાઉન્સિલમાં હોદ્દેદારોની નિમણૂક અંગેની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. 

કાઉન્સિલમાં સ્થાન મેળવવા લોબીંગ શરૂ

કાઉન્સિલનું સ્ટ્રકચર એટલે કે માળખુ જાહેર કરી દેવાયું છે. કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એમ, બે મહત્વની બોડી અસ્તિત્વમાં આવશે. કાઉન્સિલ એ સેનેટની કામગીરી કરશે. જયારે એક્ઝિ. કાઉન્સિલએ સિન્ડિકેટની જેમ કામગીરી કરશે. કાઉન્સિલમાં મુખ્યમંત્રી પ્રેસિડન્ટ તરીકે, શિક્ષણમંત્રી વાઇસ પ્રેસિડન્ટ, એમઓએસ ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ ઉપરાંત એજ્યુકેશન, ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રી,લેબર, સ્પોર્ટસ, કલ્ચરલ વગેરે વિભાગના સેક્રેટરી હોદ્દાની રૂએ સભ્ય ગણાશે. કમિશનર હાયર એજ્યુકેશન, ટેકનિકલ વિભાગ  અને મેડિકલ કમિશનર પણ સભ્ય રહેશે. આ ઉપરાંત પાંચ કુલપતિ, પ્રોવોસ્ટ, નામાંકિત સંસ્થાઓમાંથી એક એક સભ્ય અને ૩ એકેડેમિક પર્સન રહેશે. જયારે એક્ઝિ. કાઉન્સિલમાં ચેર પર્સનની નિમણૂક કરાશે.  ચેર પર્સનની નિમણૂક માટે ટૂંક સમયમાં સર્ચ કમિટીની રચના કરાશે. આ સિવાય ઉપરની બોડીના સભ્યો અને આઠ કુલપતિ, ૩ શિક્ષણશાસ્ત્રી અને ૫ સભ્યો અન્ય બોડીમાંથી લેવાશે.એક્ઝિ.કાઉન્સિલમાં મુખ્ય સત્તા ચેરપર્સન પાસે રહેશે. આ કમિટીમાં કુલપતિઓની પણ નિમણૂક થવાની છે. જેના કારણે રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓએ કાઉન્સિલમાં સ્થાન મેળવવા માટે લોબીંગ શરૂ કરી દીધું છે.


Keywords : rupali,mita,sonal