Home >> India
ઈસરો: વર્ષ ૨૦૨૩ સુધીમાં ૨૦૦ સેટેલાઈટ લોન્ચ કરવાનું આયોજન
Source :     |  Last Updated: 2017-06-06 19:48:35

જ્યાં ઓપ્ટિકલ ફાઈબરનું જાળું પાથરવાનું શક્ય નથી એવા વિસ્તારોને પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા માટે જીએસએલવી માર્ક-૩ ઉપયોગી બની રહેશે. વર્ષ ૨૦૨૩ સુધીમાં ૨૦૦ સેટેલાઈટ લોન્ચ કરવાનું આયોજન ધરાવતું ઈસરો હવે વૈશ્વિક માંધાતાઓને પડકાર ફેંકવા સક્ષમ છે. રવિવારે એજબેસ્ટન, ઈંગ્લેન્ડ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ભૂંડે હાલ હરાવ્યું. ભારતની આત્મવિશ્વાસથી સભર ટીમ સામે પાકિસ્તાની ખેલાડીઓ શેરીના બચ્ચા જેવા અણઘડ જણાતા હતા. આ એ જ પાકિસ્તાન હતું જે ઈમરાન, મિયાંદાદના જમાનામાં શારજાહના માલેતુજાર શેખોના જોરે એક સમયે ભારતને ભારે અપમાનિત કરતું હતું અને ક્રિકેટના મેદાન પર કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની શેખી મારતું હતું. એક જમાનામાં હોકીથી માંડીને ફિલ્મો અને સૈન્યશક્તિથી માંડીને કળા સુધીના હરકોઈ ક્ષેત્રમાં પાકિસ્તાન ભારતને પછાડવાની શેખી મારતું હતું. એમાંનંુ એક ક્ષેત્ર હતું અંતરિક્ષ સંશોધન અને સાહસ. ઉલ્લેખનીય છે કે, આઝાદી પછી હજુ ભારત અનાજ, પાણી, વીજળી જેવી પ્રાથમિક જરૃરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરતું હતું ત્યારે પાકિસ્તાને અમેરિકાની ચડામણીથી પછેડી કરતાં ય મોટી સોડ તાણવાનું દુ:સાહસ કરીને અંતરિક્ષ સંશોધનની ફાંકા-ફોજદારી કરવા માંડી હતી. ભારતથી પહેલાં, ભારતથી ચડિયાતા સાબિત થવાના પાકિસ્તાનના હવાતિયાં એટલાં તીવ્ર હતા કે મોટાભાગના નાગરિકોને થાળીમાં રોટલાનો વેંત થતો ન હતો, રોટલો મળે તો ખાવો શેની સાથે એ સવાલ હતો અને તોય પાકિસ્તાન સરકારે ૧૯૬૧માં અમેરિકાની ખૈરાતથી અવકાશ સંશોધન માટે 'સુપારકો' નામે સંસ્થાની રચના કરી અને મોટા ઉપાડે તેની જાહેરાત કરી હતી. એ વખતે પણ પાકિસ્તાનના નિશાન પર તો ભારત જ હતું. 'સુપારકો'એ અમેરિકન બનાવટનું રોકેટ અમેરિકી વૈજ્ઞાાનિકો દ્વારા અવકાશમાં ચડાવ્યું ત્યારે તો 'ઈસ્લામિક રોકેટ'ના નામે ભારતની દિશામાં જોઈને શું ય ખિખિયાટા માર્યા હતા. એ વખતે આવું 'પરાક્રમ' એશિયામાં ફક્ત જાપાન અને ઈઝરાયલના નામે જ બોલતું હતું. એ સૂચિમાં ત્રીજું નામ પોતાનું ઉમેરીને પાકિસ્તાન તો જાણે બે-ચાર નવા ગ્રહ શોધી આવ્યું હોય એવા વહેમમાં રાચવા લાગ્યું હતું. ભારતે એ ઘટનાના આઠ વર્ષ પછી ૧૯૬૯માં ઈસરોનું ગઠન કર્યું. એ પછી લગાતાર મક્કમ, પ્રતિબદ્ધ અને એકધારી સફળતાઓ વડે ઈસરોએ એવો ડંકો વગાડયો કે (રવિવારની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચની માફક) અવકાશ સંશોધન ક્ષેત્રે પાકિસ્તાન ભારતની આસપાસ પણ ક્યાંય શોધ્યું જડતું નથી. ભારતે ૧૯૭૫માં સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં તરતો મૂક્યો એ ઘટનાને ચાર દાયકા થયા. એ પછી ઈસરોની કલગી અનેક પ્રકારની યશસ્વી સિદ્ધિઓથી ઝગમગે છે. જ્યારે પાકિસ્તાને પહેલો ઉપગ્રહ છેક ૧૯૯૦માં ચીનની પુષ્કળ સહાયતા પછી અવકાશમાં મોકલ્યો હતો! ક્રિકેટમાં જેમ ભારતીય ટીમ હવે તો પાકિસ્તાને ગણકારતી ય નથી અને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પડકાર ફેંકતી થઈ ગઈ છે બિલકુલ એમ જ, હવે અવકાશ સંશોધનના ક્ષેત્રે ભારતીય સંસ્થા ઈસરોની નજર પાકિસ્તાન જેવા ચડાઉ ધનેડા પર તો કદી હતી જ નહિ, પરંતુ હવે સુપરપાવર દેશોની હરોળમાં જોડાવા તરફ મંડાયેલી છે. હાલમાં જ રશિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ ભારતીય પ્રતિભાના ગુણગાન ગાતાં ઓછામાં ઓછા ખર્ચે ભારતના માર્સ મિશનને મળેલી સફળતાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. ઈસરોની લગાતાર સફળતાની કહાનીમાં સોમવારના દિવસે વધુ એક યશસ્વી પ્રકરણ ઉમેરાયું છે. ૬૪૦ ટનના જીએસએલવી-માર્ક૩ જેવા અતિશય વજનદાર સ્વદેશી બનાવટના ક્રાયોજેનિક રોકેટને અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલીને ભારતે નવી સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦૦ હાથી જેટલાં વજનના રોકેટને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને ઓળંગીને અંતરિક્ષમાં મોકલવું એ કંઈ નાનીસૂની સિદ્ધિ નથી. ઈસરોની આ કમાલ ભારતીય પ્રતિભા, પ્રતિબદ્ધતા અને મહેનતનું પ્રતિબિંબ છે. એ માટે ઈસરોના પ્રત્યેક કર્મચારી અભિનંદન, શાબાશી અને વંદનના એકસરખા હકદાર છે. સોમવારની સફળતાને આગામી દિવસોમાં ભારતમાં ઈન્ટરનેટની સ્પિડ સાથે સીધો સંબંધ રહેશે. આગામી દિવસોમાં ઈન્ટરનેટ જ સઘળી પ્રવૃત્તિનું ચાલકબળ બનવાનું છે ત્યારે ઈસરોએ એ માટે અત્યારથી જ પ્લેટફોર્મ પૂરું પાડવા માંડયું છે. જ્યાં ઓપ્ટિકલ ફાઈબરનું (ઈન્ટરનેટની પહોંચ સરળ બનાવતું) જાળું પાથરવાનું શક્ય નથી એવા વિસ્તારોને પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા માટે જીએસએલવી માર્ક-૩ ઉપયોગી બની રહેશે. ઈસરોની બીજી નોંધપાત્ર સિદ્ધિ એ છે કે અત્યાર સુધી ૨૩૦૦ કિલોથી વધુ વજનના સંચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટે વિદેશી લોન્ચિંગ સિસ્ટમ પર નિર્ભર રહેવું પડતું હતું. હવે ઈસરોએ તેમાં પણ આત્મનિર્ભરતા સફળતાપૂર્વક હાંસલ કરી લીધી છે. જીએસએલવી-માર્ક૩ ૪૦૦૦ કિલો જેટલાં પે-લોડને ગુરુત્વાકર્ષણ બહારની ભ્રમણકક્ષામાં પહોંચાડવા સક્ષમ છે અને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં તો ૧૦,૦૦૦ કિલો જેટલો પે-લોડ પણ ઊઠાવી શકાશે. લેખની શરૃઆતમાં ક્રિકેટ અને અંતરિક્ષ સંશોધનની સરખામણી તો ફક્ત પાકિસ્તાનના પ્રત્યેક ક્ષેત્રમાં થતાં પરાભવને સૂચવવા માટે જ કરી હતી. અન્યથા, અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સફળતા એટલી પ્રચંડ છે કે બીજા કોઈ ક્ષેત્ર સાથે તેની સરખામણી થઈ જ ન શકે. આમ છતાં પાકિસ્તાનની પીછેહઠનું એક કારણ પણ અહીં ધ્યાનમાં લેવું જોઈએ. પાકિસ્તાનની દૃષ્ટિમાં ફક્ત કટ્ટરતા હતી, અદેખાઈ હતી અને ધર્માંધતા હતી. જ્યારે ભારતની સફળતાનું કારણ માત્ર અને માત્ર સફળતા પ્રત્યેની અદમ્ય ચાહના અને એકાગ્રતા જ છે.
પાકિસ્તાન કટ્ટરવાદી હોય એટલે આપણે ય કટ્ટરવાદી, પાકિસ્તાન ધર્માંધ બને એટલે આપણે ય પરંપરાગત સદ્ભાવ વિસરી જઈએ, પાકિસ્તાન ધાર્મિક સંકુચિતતા અપનાવે એટલે આપણે ય ક્ષુલ્લક કારણોને મોટા બનાવીને ધાર્મિક રાષ્ટ્રવાદનો દંભ કરીએ એવો પવન હાલમાં જોર પકડી રહ્યો છે ત્યારે આ તફાવત અને કટ્ટરવાદી બનવાના પરિણામ પણ આપણે ધ્યાનમાં રાખીએ એવી ઈશ્વરને પ્રાર્થના સાથે ફરી એકવાર... અભિનંદન ઈસરો અને ઇસરોના વૈજ્ઞાનિકોને અને સાથે મોદી સરકારને પણ.
 
* ઈસરોનો સક્સેસ રેશિયો ૯૫ ટકા છે. આટલો ઊંચો સફળતાઆંક દુનિયામાં એક પણ અવકાશ સંશોધન સંસ્થા ધરાવતી નથી. ના, નાસા પણ નહિ. ખુદ નાસાએ જ આંકેલા આ સક્સેસ રેશિયોમાં ઈસરો નં.૧ છે અને ઔનાસા નં.૨.
* સમગ્ર દુનિયાના વૈજ્ઞાાનિકો એસએલવી રોકેટ પ્રણાલિનું સમર્થન કરતા હતા ત્યારે ઈસરોના વૈજ્ઞાાનિકોએ પીએસએલવી સિસ્ટમ પર ભરોસો મૂક્યો અને તેને સાચો પણ સાબિત કર્યો છે. અત્યાર સુધીમાં પીએસએલવીની મદદથી ઈસરોએ ૪૬ ઉપગ્રહો અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂક્યા છે.
* એકસાથે અનેક ઉપગ્રહો અવકાશમાં નિશ્ચિત ઓરબિટમાં તરતા મૂકવા એ ખૂબ મુશ્કેલ પ્રયાસ ગણાય છે અને તેમાં ઈસરોનું સ્થાન દુનિયાભરમાં અવ્વલ છે. અગાઉ જાપાને ૮ ઉપગ્રહ મોકલવાની સફળતા મેળવી હતી. એ પછી ૨૦૧૫માં ચીને ૨૦ ઉપગ્રહ મૂક્યા અને ૨૦૧૭માં ઈસરોએ પૂરા ૧૦૪ ઉપગ્રહને રવાના કરવાની જબ્બર સફળતા હાંસલ કરીને સમગ્ર દુનિયાને ચકિત કરી દીધી હતી.
* મંગળની ભ્રમણકક્ષામાં પહોંચવાના પહેલાં જ પ્રયાસમાં સફળ થનાર એકમાત્ર દેશ ભારત છે.. થેંક્સ ટુ ઈસરો! અમેરિકા, રશિયા, ચીન અને યુરોપિય સ્પેસ એજન્સી જેવા વિકસિત સંસ્થાઓએ પણ ત્રણ-ચાર કે પાંચ પ્રયત્નો પછી આ સફળતા મેળવી હતી. તાજુબીની વાત તો એ હતી કે ભારતે એટલાં ઓછા ખર્ચમાં આ મિશન પાર પાડયું હતું કે એટલા બજેટમાં સફળતા મેળવવાનું તો આજે પણ એકેય દેશનું ગજું નથી.
* અવકાશમાં ઉપગ્રહો તરતા મૂકવાનું વૈશ્વિક બજાર આશરે ૧૪ લાખ કરોડ રૃપિયા જેટલું હોવાનું મનાય છે. અત્યાર સુધીમાં ઈસરોએ પોતાની સિદ્ધિઓ અને સફળતાઓ વડે આશરે રૃ. ૨૦૦ કરોડની ચોખ્ખી આવક મેળવી છે. પરંતુ આ હજુ આરંભ છે. આગામી એક જ દાયકામાં ઈસરોની કમાણી ૨૫થી ૩૦ ગણી વધવાની ધારણા છે.
* ઈસરોએ પણ એ માટે લક્ષ્યાંકો નિયત કરી રાખ્યા છે. એ મુજબ, પ્રત્યેક વર્ષે ઈસરો ઓછામાં ઓછા ૧૨ સેટેલાઈટ લોન્ચ કરવા ધારે છે. એ સંખ્યા સતત વધારતા જઈને આગામી ૨૦૨૩ સુધીમાં ઈસરો કુલ ૨૦૦ સેટેલાઈટ લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે.

Keywords : isro india congratulation gslv