સ્વર્ણિમ સંકુલમાં જૂની ઓફિસોની સાફ-સફાઈ, મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી

0
234
politics/sudden-cleaning-in-swarnim-sankuls-old-offices-create-rumors-of-expanding-in-rupani-cabine
politics/sudden-cleaning-in-swarnim-sankuls-old-offices-create-rumors-of-expanding-in-rupani-cabine

2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. ભાજપે પણ તેના પાસા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અચાનક દિલ્હી મુલાકાતે ઘણા સવાલો ઊભા કર્યા હતા. હવે, એકાએક જ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં જૂની કેબિનોમાં સાફ-સફાઈ શરૂ કરવામાં આવતા ટૂંક સમયમાં જ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની અટકળોને વેગ મળ્યો છે.ગત મહિનાના અંતમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એકાએક દિલ્હીનું તેડું આવતા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની અટકળો તેજ બની હતી. વાત તો એવી પણ ઉડી હતી કે, મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને હટાવીને અન્ય કોઈને બેસાડાશે. નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાનું નામ પણ ઉછળ્યું હતું. જોકે, માંડવિયાએ પોતે સીએમ પદની રેસમાં ન હોવાનો અને વિજય રૂપાણી જ સીએમ રહેશે તેવો ખુલાસો કર્યો હતો.વળી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાના મેસેજ પણ વાઈરલ થયા હતા. જોકે, નીતિન પટેલે પણ આ મેસેજને વિરોધીઓની ચાલ જણાવી પોતે નારાજ હોવાની વાતને અફવા ગણાવી હતી. જોકે, નજીકના ભવિષ્યમાં રાજ્યના મંત્રીમંડળમાં આશ્ચર્યનજક ફેરફારો થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ જ રહી છે.દરમિયાનમાં સ્વર્ણિમ સંકુલના બીજા અને ત્રીજા માળે જૂની ઓફિસોમાં એકાએક સફાઈનું કામ હાથ ધરવામાં આવતા મંત્રીમંડળમાં ફેરફારોની અટકળો ફરી શરૂ થઈ ગઈ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ગુજરાતમાં કોઈ રિસ્ક ન લેવા માગે તે સ્વાભાવિક છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જો લોકસભામાં પણ ભાજપની બેઠકો ઘટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને નીચા જોવા પણું થાય. એવી કોઈ સ્થિતિ ઊભી ન થાય એ માટે ભાજપે અત્યારથી જ રાજ્યમાં નારાજ ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને મનાવવા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનની ઈફેક્ટ લોકસભા ચૂંટણી પર ન પડે તે માટે સરકારે પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે. પાટીદાર આંદોલન બાદ સરકારે બિન અનામત વર્ગ આયોગ તેમજ નિગમની રચના તો કરી જ દીધી હતી. હવે, તાજેતરમાં જ સરકારે બિનઅનામત વર્ગની માફક અનામત વર્ગને પણ પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી છે. જેનો ઉપયોગ સવર્ણો માટે જાહેર કરાયેલી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાનો લાભ લેવા પાટીદારો કરી શકશે. સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને ઘેરવા માટે તેના જ જૂના સાથીઓ વરૂણ પટેલ અને રેશ્મા પટેલને મેદાનમાં ઉતારી દીધા છે.આમ, આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ હજુ નવા આશ્ચર્યજનક ઘટનાક્રમો જોવા મળી શકે છે.